साईट का मुख्य मेनू

sponsored ads

30 April, 2016

ગુજરાતી જનરલ નોલેજ ભારતના પ્રસિદ્ધ સાત પર્વતો

ભારતની ભૌગોલિક વિવિધતા તેમાં રહેલી પવિત્ર નદીઓ અને પર્વતોમાં રહેલી છે. પવિત્ર નદીઓ વિશે આપણે જોઈ ગયા. આ નદીઓના પિયર એટલે કે ઉદગમસ્થાન એવા પહાડ – પર્વતો પણ ભારતીય એકાત્મતાના પ્રતિક છે. આ પહાડ આપણને ગમે તે પરિસ્થિતિમાં અચલ તેમજ સ્થિતપ્રજ્ઞ રહેવાની પ્રખર પ્રેરણા આપે છે.
આમ તો ભારત દેશમાં અનેક પર્વતો છે, જે દરેકનું પોતાનું આગવું મહત્વ છે. ધાર્મિક, ઐતિહાસિક, પૌરાણિક, ભૌગોલિક તથા લશ્કરી દ્રષ્ટિએ આ પર્વતો ખૂબ જ વંદનીય છે. અહી આપણે મુખ્ય સાત પર્વતોની વાત કરીશું. આ સાત પર્વતોની નામાવલી સંસ્કૃત ભાષામાં જોઈએ.
महेन्द्रो मलय: सह्यो देवतात्माहिमालय: |
ध्येयो रैवतको विन्ध्यो गिरिश्चारावलीस्तथा ||

1 . હિમાલય :

હિમાલય વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. જેમાં અનેક હિમાચ્છાદિત શિખરો, હિમનદીઓ તથા ઊંડી ખીણો છે. અહી દેવ-દેવીઓનો વાસ હોવાથી જ મહાકવિ કાલિદાસે તેનો ‘દેવાત્મા’ નામથી ઉલ્લેખ કર્યો છે. સિન્ધુ, ગંગા, સતલજ, ગંડકી અને બ્રહ્મપુત્રા વગેરે નદીઓનું તે ઉદગમસ્થાન છે. બદ્રીનાથ, કેદારનાથ, કૈલાસ માનસરોવર, વૈષ્ણવ દેવી અને અમરનાથ વગેરે સેંકડો પવિત્ર સ્થળો હિમાલયમાં છે. અનેક ઋષિઓની તે તપોભૂમિ છે. વિશ્વનું સૌથી ઊંચું શિખર એવરેસ્ટ (સરગમાથા) હિમાલય પર આવેલું છે. કાંચનજંઘા, નંદાદેવી, ગૌરીશંકર, ધવલગિરિ વગેરે પણ હિમાલયના અન્ય ઊંચા શિખરો છે. ઋગ્વેદ અનુસાર હિમાલય ઈશ્વરની મહાનતાનો પરિચાયક છે.

2 . અરવલ્લી :

દિલ્લીના દક્ષિણ છેડાથી શરુ થઈને હરિયાણા, રાજસ્થાન, ગુજરાત સુધીની દક્ષિણ પશ્ચિમ દિશાએ અરવલ્લી પર્વતમાળા ફેલાયેલી છે. તે વિશ્વની પ્રાચીન પર્વતમાળા પૈકી એક છે. આ પર્વત મહારાણા પ્રતાપના બલિદાન, કર્તૃત્વ અને શોર્યનો સાક્ષી છે. અરવલ્લીનું સર્વોચ્ચ શિખર આબુ (અર્બુદાચલ) છે. જૈન તીર્થ તરીકે તે જાણીતું છે. ‘પરીયાત્ર’ તેનું સંસ્કૃત નામ છે.

3 . વિંધ્યાચલ :

ભારતના મધ્યભાગમાં ગુજરાતથી લઈને બિહાર અને ઓરિસ્સા સુધી આ પર્વત વિસ્તરેલો છે. ચંબલ, ક્ષિપ્રા, બેતવા, કેન, બનાસ અને સોન વગેરે આ પર્વતમાળામાંથી નીકળે છે. નર્મદા નદીનું ઉદગમસ્થાન અમરકંટક વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાને પરસ્પર સ્પર્શે છે. નાગોદ (ચૂનાનો પથ્થર) તથા પન્નાની પ્રસિદ્ધ ખાણો પણ આ પર્વતમાળામાં આવેલા છે.
વિંધ્યવાસિની (મિર્જાપુર), મહાકાલી મંદિર (કાલીખોહ), અષ્ટભુજા દેવી જેમાં તીર્થસ્થાનો એની અંતર્ગત આવે છે. દુર્ગા સપ્ત્સતી, દેવી ભાગવત તથા સ્કન્દપુરાણમાં આ પર્વત અંગે ઉલ્લેખ મળે છે.

4 . રૈવતક :

ગુજરાતના જુનાગઢ જિલ્લામાં આવેલા ગિરનાર પર્વતને રૈવતક તરીકે પણ ઓળખવામાં આવે છે. તે પવિત્ર પ્રભાસ સુધી ફેલાયેલો છે. જૈન સંપ્રદાયના પાંચ પવિત્ર તીર્થોમાંનો એક શત્રુંજય પણ આ પર્વતના ભાગરૂપે ગણાય છે. માઘ કવિએ રચેલા ગ્રંથ ‘શિશુપાલવધ’ માં તેનું સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. સોમનાથ જ્યોતિર્લિંગ અહીંથી થોડે દૂર વેરાવળમાં આવેલું છે. રૈવતક પર્વત શિવજીને પ્રિય હોઈ તેમણે અન્ય દેવતાઓને પણ અહી આમંત્રિત કરી રહેવા માટે રાજી કર્યા હતા. દેવદિવાળી પર અહી શ્રદ્ધાળુઓ લાખોની સંખ્યામાં આવે છે. અને પવિત્ર ગિરનાર પર્વતની પરિક્રમા કરે છે, જેને ‘લીલી પરિક્રમા’ કહેવામાં આવે છે. આવી જ રીતે દર વર્ષે મહાશિવરાત્રીના તહેવાર દરમિયાન અહી અનેક ધાર્મિક પડાવો (રાવટીઓ) નંખાય છે. જેમાં ચાર-પાંચ દિવસ સતત ભજન અને ભોજન થાય છે. મેળાની પૂર્ણાહુતી એટલે કે મહાશિવરાત્રીના દિવસે રાત્રે નાગાબાવાઓનું નીકળતું સરઘસ ખૂબ જ ધાર્મિક મહત્વ ધરાવે છે. સરઘસ પૂર્ણ થતા આ ધાર્મિક મેળો સંપન્ન થાય છે. ગિરનાર પર્વતની તળેટીમાં જૂનાગઢ શહેર ધાર્મિક, ઐતિહાસિક તથા પૌરાણિક દ્રષ્ટિએ અનેરું મહત્વ ધરાવે છે.

5 . મહેન્દ્ર :

ઉત્કલ પ્રદેશનો આ મુખ્ય પર્વત ગંજામ જિલ્લામાં ફેલાયેલો છે. ભારતના પૂર્વ કિનારા પર આવેલી પૂર્વી ઘાટ પર્વતમાળાનો તે ઉત્તરી છેડો અને ઊંચો પર્વત છે. સમુદ્રતટથી તેની ઊંચાઈ આશરે 1500 મીટર છે. ગોકર્ણેશ્વર મંદિર અહીનું સૌથી મુખ્ય મંદિર છે. રાજેન્દ્ર ચોલે પોતાના વિજયની યાદમાં આ પર્વત પર એક સ્તંભ બંધાવ્યો છે. સાત ચિરંજીવીઓમાંના એક ભગવાન પરશુરામનો વાસ આ પર્વત પર છે.

6 . મલય :

કર્ણાટકના દક્ષિણ ભાગ તથા તમિલનાડુ રાજ્યમાં મલય પર્વત આવેલો છે. ભારતીય સાહિત્યમાં અનેક કવિઓએ મલયગિરિનું વર્ણન કર્યું છે. અહી ચંદનના ગાઢ જંગલો છે. અનેક સુવાસિત ઔષધિઓ તથા મરીમસાલા ખેતી અહીના ઢોળાવો પર કરવામાં આવે છે. તેનું બીજું નામ નીલગિરિ છે. કેટલાય ઋષિમુનીઓએ અહી તપસ્યા કરી છે.

7 . સહ્યાદ્રિ :

ભારતના પશ્ચિમ કિનારાની સાથે ગુજરાત, મહારાષ્ટ્ર તથા કર્ણાટક રાજ્યમાં સહ્યાદ્રિ પર્વતમાળાનો વિસ્તાર છે. દક્ષિણ ભારતની મુખ્ય નદીઓનું ઉદગમસ્થાન આ પર્વતમાળા અંતર્ગત છે. છત્રપતિ શિવાજી મહારાજ સાથે સંબંધિત કેટલાયે કિલ્લાઓ અને શિવાજી મહારાજની સમાધિ આ પર્વતનો ઐતિહાસિક વારસો છે. બ્રહ્માજીએ સૃષ્ટિની શરૂઆતમાં અહી યજ્ઞ કર્યો હતો. બે રાક્ષસ – અતિબલ અને મહાબલે યજ્ઞમાં મુશ્કેલીઓ ઊભી કરી તો વિષ્ણુ અને ભગવતીએ તેને મારીને યજ્ઞ નિર્વિઘ્ને પૂર્ણ કરાવ્યો હતો. ભગવાન વિષ્ણુ અહી અતિબલેશ્વર, બ્રહ્મા કોટીશ્વર તથા શંકર મહાબળેશ્વરના રૂપમાં બિરાજમાન થઇ આજે પણ પ્રતિષ્ઠિત છે.
ભારતના પ્રસિદ્ધ સાત પર્વતો નો લેખ અહી સમાપ્ત થાય છે. આપનો અભિપ્રાય/પ્રતિભાવ ચોક્કસ જણાવો. આપ tweet, Google, Facebook પર Share અને Like પણ કરી શકો છો.

No comments:

Post a Comment