એક સવાલનો ફટાફટ જવાબ આપો – કમ્પ્યુટરમાં તમે કયા પ્રોગ્રામનો સૌથી વધુ ઉપયોગ કરો છો? મોટા ભાગે, આ સવાલના જવાબમાં એક જ પ્રોગ્રામ બિનહરીફ ચૂંટાઈ શકે – માઇક્રોસોફ્ટ વર્ડ! જો તમે ઇન્ટરનેટનો ફૂલટાઇમ ઉપયોગ કરતા હો તો તમારું વેબ બ્રાઉઝર વર્ડને જબરી હરીફાઈ આપી શકે, પણ તેમાં ગૂગલ ક્રોમ કે મોઝિલા ફાયરફોક્સ વચ્ચે મત તૂટવાનો સંભવ રહે.
ટૂંકમાં, વર્ડ એક એવો પ્રોગ્રામ છે જેનો આપણે સૌથી વધુ અને સતત ઉપયોગ કરીએ છીએ અને છતાં, જો તમને જુદા જુદા પ્રોગ્રામમાં સરેરાશ કરતાં વધુ ઊંડા તરવાની આદત હોય તો વર્ડમાં લગભગ દરરોજ તમે કોઈ નવી વાત જાણી શકો છો.
તારીખ ૪ ઑગસ્ટ ૨૦૧૪ના રોજ પ્રકાશિત થયેલા “વર્ડ પાસે કામ લો, તમારી રીતે” લેખમાં આપણે એમ એસ વર્ડની આવી કંઇક અંશે ઓછી જાણીતી, પણ બહુ જ ઉપયોગી એવી ખૂબીઓ વેબ ગુર્જરીના વાચકોને જણાવવા એમ એસ વર્ડના ખાસ વપરાશકાર મિત્રોને જણાવ્યું હતું.
અહીં વર્ડની કેટલીક અત્યંત ઉપયોગી પણ, કદાચ તમારાથી અજાણી રહી હોય એવી કેટલીક સુવિધાઓની વાત કરીએ…
શબ્દોને ફટાફટ કેપિટલ કરવા માટે…
આ મુદ્દો માત્ર ઇંગ્લિશ લખાણને લાગુ પડે છે, પણ જો તમે વર્ડમાં વારંવાર લાંબું લાંબું લખાણ ટાઇપ કરતા હશો તો તમે નોંધ્યું હશે કે થોડા સમય પછી, તમે માત્ર તમારા વિચારોને ઝડપથી વર્ડમાં (એટલે કે કમ્પ્યુટરના સ્ક્રીન પર) ઉતારવામાં જ બધું ધ્યાન પરોવો છો.
ખોટા સ્પેલિંગ, કેપિટલાઇઝેશન વગેરે ભૂલો પછી સુધારી લઈશું એવું લગભગ બધા જ વિચારતા હોય છે. ખોટા સ્પેલિંગ સુધારવા માટે તો સ્પેલચેક જેવી સુવિધા છે અને કેપિટલાઇઝેશન માટે પણ તમે ઓટોકરેક્ટની સુવિધાનો ઉપયોગ કરતા હો તો પ્રમાણમાં સરળતા રહે, પણ ભારતીય નામો, સંસ્થાઓનાં ટૂંકાક્ષરી નામ વગેરે માટે કેપિટલાઇઝેશનમાં ઓટોકરેક્ટ પણ ગોથાં ખાય.
આવે સમયે, ટાઇપિંગ પૂરું કર્યા પછી જ્યારે ભૂલો સુધારવાનું શરૂ કરો ત્યારે કોઈ શબ્દનો પહેલો અક્ષર કેપિટલ કરવો હોય કે આખો શબ્દ કેપિટલ અક્ષરોમાં લખવાનો હોય ત્યારે કી-બોર્ડ છોડી, માઉસ પકડી, એ શબ્દ હાઈ-લાઇટ કરી, મથાળાની રીબનમાં વિકલ્પો શોધવા જવાની કસરત કરવાની જરૂર નથી. ફક્ત, એ શબ્દ પર કર્સર લઈ જઈને ઓલ્ટર સાથે એફ3 [F3] કી પ્રેસ કરો. તમને જોઈતો વિકલ્પ ફટાફટ મળશે અને તમારું કામ પણ ફટાફટ આગળ વધશે!
ખાસ નોંધ : વર્ડનાં જૂદાં જૂદાં વર્ઝનમાં આ પરકારનાં ફીચર્સ માટે થોડા ઘણા ફેરફારો પણ કરાયા હોય છે. તેથી તમે જે વર્ઝન વાપરી રહ્યાં હો તેની ‘હેલ્પ’ ફાઇલની મદદથી ચોક્કસ થઇ જવું સલાહ ભર્યું રહે છે.
એક સરખી ભૂલો ફટાફટ સુધારવા માટે…
મોટા ભાગે આ સુવિધા તમે જાણી જ લીધી હશે અને ઉપયોગમાં લેતા જ હશો, છતાં, સૌના લાભ માટે વાત કરી લઈએ.
કોઈ મોટા ડોક્યુમેન્ટમાં કોઈ ચોક્કસ શબ્દ ઘણી વાર વપરાયો હોય ને તેને બધી જ જગ્યાએ બદલવાનો હોય તો વર્ડમાં આ માટે ‘ફાઇન્ડ એન્ડ રીપ્લેસ’ સુવિધા છે. તમે કંટ્રોલ સાથે ‘એફ’ કી પ્રેસ કરશો તો કોઈ પણ શબ્દ શોધવા માટેનું ડાયલોગ બોક્સ ખૂલશે, જ્યારે કંટ્રોલ સાથે ‘એચ’ કી પ્રેસ કરશો તો ફાઇન્ડ એન્ડ રીપ્લેસનો વિકલ્પ ખૂલશે.
અહીં આપણે શોધવાનો શબ્દ લખો અને બીજા બોક્સમાં તેના સ્થાને બદલવાનો શબ્દ લખો અને ચાહો તો એક સાથે બધા જ શબ્દો બદલી નાખો અથવા એક પછી એક ચેક કરતા જઈને બદલતા રહો.
બીજી વાત, આ સુવિધા ગુજરાતીમાં પણ કામની છે, પણ ફક્ત યુનિકોડ ફોન્ટમાં. તમે શ્રુતિ સિવાયના ફોન્ટનો ઉપયોગ કરતા હશો તો તે ફોન્ટથી ફાઇન્ડ એન્ડ રીપ્લેસ બોક્સમાં લખાતા શબ્દો વાંચી શકાશે નહીં (અલબત્ત, તો પણ ફાઇન્ડ એન્ડ રીપ્લેસ તો થશે, પણ આપણે મૂળ લખાણમાંથી ખોટા અને સાચા શબ્દને કોપી-પેસ્ટ કરવાની પળોજણ કરવી પડશે) પણ શ્રુતિ ફોન્ટમાં તમે વાંચી શકશો અને પૂરી ખાતરી સાથે શબ્દો બદલી શકશો.
બે ફાઇલ ફટાફટ એક સાથે જોવા માટે…
જો તમે પ્રમાણમાં મોટા સ્ક્રીનવાળા મોનિટરનો ઉપયોગ કરતા હો અને બે ફાઇલ સાથે રાખીને તેમાંની વિગતો ચકાસવાની હોય કે એક ફાઇલમાંના લખાણનું બીજી ફાઇલમાં ભાષાંતર કરવાનું હોય તો તમારી પાસે બે રસ્તા હોય છે.
એક, આખા વર્ડની જ બે વિન્ડો ઓપન કરો અને બંનેમાં તમારા કામની ફાઇલ્સ ઓપન કરી કામ કરો. અથવા, એક ફાઇલ ઓપન હોય તે જ વિન્ડોમાં બીજી ફાઇલ પણ ઓપન કરી, રીબનમાં વ્યૂ ટેબમાં જઈને ‘વ્યૂ સાઇડ બાય સાઇડ’ વિકલ્પ શોધીને તેને ક્લિક કરી દો.
આ સ્થિતિમાં પણ બંને ફાઇલ બાજુમાં બાજુમાં જ દેખાશે, પણ ફાયદો એ થશે કે જો તમે તેના પછીને ‘સિન્ક્રોનસ સ્ક્રોલિંગ’ ઓપ્શન પણ ક્લિક કરશો તો એક બાજુમાં ફાઇલમાં જેમ જેમ આગળ વધતા જશો, એટલે કે પેજ સ્ક્રોલ કરતા જશો તેમ તેમ બાજુની ફાઇલ પણ આપોઆપ સ્ક્રોલ ડાઉન થતી રહેશે!
વર્ડમાં આવી ઘણી બધી ખૂબીઓ સમાયેલી છે, જે આપણું કામ સરળ અને ઝડપી બનાવી શકે છે. ઉપરાંત, આ બધા ઉપાયો એવા છે કે તેની કોઈ ચોપડી લઈને ગોખી નાખવાથી કામ પતે નહીં, એ માટે તો આપણને સતાવતી સમસ્યાનો જાતે ઉપાય શોધવો રહ્યો અને પછી એવું બનશે કે કેટલાક શોર્ટકટ્સ દિમાગમાં એવા કોતરાઈ જશે કે તેના વિના તમને ચાલશે જ નહીં!
એમ એસ વર્ડની આવી જે કોઇ સુવિધાઓ તમે વાપરતાં હો તે અન્ય વાચક મિત્રો સાથે વહેંચવા માટેનું નિમંત્રણ હજૂ ખુલ્લું જ છે હોં !
No comments:
Post a Comment